ચાલતી પટ્ટી

"પ્રાથમિક શાળા મુજકુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે."

ONLINE CORSES

26/8/14

પ્રજ્ઞા હેન્ડ હોલ્ડીંગ કામગીરી માર્ગદર્શિકા


પ્રજ્ઞા હેન્ડ હોલ્ડીંગ કામગીરી માર્ગદર્શિકા

સર્વ શિક્ષા અભિયાન, આણંદ
આયોજિત

સર્વ શિક્ષા અભિયાન, આણંદ









પ્રજ્ઞા હેન્ડ હોલ્ડીંગ કામગીરી માર્ગદર્શિકા

૧. ઘોડાની ગોઠવણી  
  • પ્રજ્ઞા અભિગમ મૂજબ પ્રજ્ઞા વર્ગખંડમાં અભ્યાસકાર્ડ મુકવા માટેના ઘોડા શિક્ષકની બેઠકની સામેની દીવાલના ખૂણામાં હોવા જોઈએ. (ગણિતના વર્ગમાં એક ઘોડો અને ગુજરાતી-પર્યાવરણના વર્ગમાં બે ઘોડા હોવા જોઈએ. ધોરણ ૫ માં ભાષા અને શાસ્ત્રના મળી બે ઘોડા હોય છે. )
૨. પ્રજ્ઞા વર્ગખંડ અને બિનજરૂરી વસ્તુઓ  
  • પ્રજ્ઞા વર્ગખંડમાં જે તે ધોરણના અભ્યાસ માટે જરૂરી હોય, તે સિવાયની કોઈ જ વસ્તુ રાખવામાં આવતી નથી. વળી બાળકનું ધ્યાન શિક્ષણના જે તે મુદ્દા પર જ કેન્દ્રિત થાય, તે માટે પ્રજ્ઞા વર્ગખંડની દીવાલ પર પણ કોઈ જ ટી.એલ.એમ. લગાવવામાં આવતાં નથી.
૩. શિક્ષકની બેઠક વ્યવસ્થા  
  • પ્રજ્ઞા અભિગમ મૂજબ છાબડી એટલે બાળકોનું જૂથ. પ્રજ્ઞા વર્ગખંડમાં બાળકોનાં છ જૂથ જોવા મળે છે. બાળકોને બેસવાની જગ્યા નિશ્ચિત કરતાં એક થી છ નંબરનાં વર્તુળાકાર ચિત્રો છાબડી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શિક્ષકે એક નંબરની છાબડી (જૂથ)માં બાળકોની સાથે નીચે બેસવાનું હોય છે.
૪. છાબડીની ગોઠવણી  
  • પ્રજ્ઞા અભિગમ મૂજબ છાબડી (બાળકોનાં ૧ થી ૬ નંબરનાં જૂથ દર્શાવતું વર્તુળાકાર ચિત્ર)ની ગોઠવણી ક્લોકવાઈઝ અથવા એન્ટીક્લોકવાઈઝ હોય છે. તેની ઉંચાઈ ચાર ફૂટથી વધારે ના હીવી જોઈએ.
૫. લેડરની ગોઠવણી  
  • પ્રજ્ઞા અભિગમ અનુસાર સમગ્ર પાઠ્યક્રમને અભ્યાસકાર્ડરૂપે વિભાજીત કરવામાં આવેલ છે. બાળક પોતાની જાતે ક્રમિક રીતે અભ્યાસકાર્ડ સરળતાથી લઇ શકે તે માટે તમામ અભ્યાસકાર્ડના ક્રમને લેડર પર ચિત્રાત્મક રીતે દર્શાવેલ હોય છે. બાળક લેડર જોઈ ઝડપથી અને સરળતાથી અભ્યાસકાર્ડ લઇ શકે, તે માટે લેડરને જે તે વિષયના ઘોડા પાસે બાળકની ઊંચાઈને ધ્યાનમાં રાખી લટકાવવામાં આવે છે.
૬. પાથરણાનો ઉપયોગ
  • પ્રજ્ઞા અભિગમ પ્રવૃત્તિકેન્દ્રી હોવાથી વિવિધ પ્રવૃત્તિઓ સરળતાથી થઇ શકે તે માટે બાળકોને નીચે બેસાડવામાં આવે છે. બાળકો દિવસભર આરામથી નીચે બેસી શકે તે માટે તમામ બાળકો માટે યોગ્ય શેતરંજી હોવી જોઈએ. તેમજ દરેક બાળકો શેતરંજી પર બેઠેલાં હોવાં જોઈએ.
૭. શિક્ષક આવૃત્તિનો ઉપયોગ  
  • બાળકનો અભ્યાસ અભ્યાસકાર્ડના માધ્યમથી ચાલતો હોય છે. આ અભ્યાસકાર્ડમાં મોટે ભાગે કોઈ જ સુચના હોતી નથી. અભ્યાસકાર્ડમાં બાળકે શું કરવાનું છે તેની સુચના શિક્ષક આવૃત્તિમાં જ આપવામાં આવે છે. આથી બાળક પાસે નવું અભ્યાસકાર્ડ આવે ત્યારે શિક્ષકે આ અભ્યાસકાર્ડમાં બાળકે કઈ પ્રવૃત્તિ કરવાની છે તેની સમજ આપવા શિક્ષક આવૃત્તિ  જોવી જરૂરી જ નહિ પરંતુ અનિવાર્ય બને છે. વળી અભ્યાસકાર્ડ સંદર્ભે કરાવવાની પ્રવૃત્તિઓ, ગીતો, રમતો, વાર્તાઓ, સંદર્ભ સાહિત્ય વગેરેની વિગત પણ શિક્ષક આવૃત્તિ દ્વારા જ જાણી શકાય છે. આમ શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષકે વારંવાર શિક્ષક આવૃત્તિનો ઉપયોગ કરવાનો થતો હોવાથી શિક્ષક આવૃત્તિ શિક્ષકની બેઠક પાસે  હાથવગી હોવી જરૂરી છે.
૮. બાળકોની બેઠક વ્યવસ્થા
  • પ્રજ્ઞા અભિગમમાં સહપાઠી શિક્ષણ થાય તે જરૂરી  જ નહિ પરંતુ અનિવાર્ય છે, આથી બાળકો એક બીજાની  મદદ સરળતાથી મેળવી શકે તેમજ તમામ બાળકોની નજર શિક્ષકની નજર સામે રહે, તે રીતે બાળકોની બેઠક વ્યવસ્થા સી, ઓ કે યુ આકારમાં હોવી જરૂરી છે.
૯. બાળકોની પહોચ મુજબ વસ્તુઓની ગોઠવણી
  • પ્રજ્ઞા અભિગમ બાળકેન્દ્રી હોવાથી પ્રજ્ઞાવર્ગની તમામ વસ્તુઓ બાળકો સરળતાથી જાતે લઇ શકે તે રીતે ગોઠવાયેલ હોવી જોઈએ. પ્રજ્ઞા વર્ગની કોઈ જ વસ્તુ ચાર ફૂટથી ઉંચી ન હોવો જોઈએ.
૧૦. ટ્રે અને અભ્યાસ કાર્ડ
  • અભ્યાસકાર્ડને ગોઠવવા માટે પ્રજ્ઞાવર્ગમાં વિષય અનુસાર પ્લાસ્ટીકની ટ્રે હોય છે. જેને જે તે વિષયના ઘોડામાં યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. જેમાં બાળકોના ચાલતા અભ્યાસ મૂજબ જરૂરી અભ્યાસકાર્ડ જ ગોઠવેલ હોય છે. વર્ગનાં તમામ બાળકો જે માઈલસ્ટોનનાં બધાં જ અભ્યાસકાર્ડનું કામ પૂરું કરી દે, તે કાર્ડ ટ્રેમાંથી લઇ લેવામાં આવે છે. જેથી ટ્રેમાં મર્યાદિત અભ્યાસકાર્ડ રહે અને બાળકો સરળતાથી જરૂરી કાર્ડ શોધી શકે. (ચાલુ વર્ષથી નવા શરુ થયેલ પ્રજ્ઞા વર્ગોમાં પ્લાસ્ટિકના ઘોડા હોય ત્યાં ટ્રે હોતી નથી.)
૧૧. પ્રજ્ઞા શિક્ષક ગ્રાન્ટનો ઉપયોગ
  • પ્રજ્ઞાવર્ગ માટે જરૂરી સામગ્રી ખરીદવા માટે શાળા ગ્રાન્ટમાંથી નિયમાનુસાર  ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેનો જે તે વર્ષે જ જરૂરી શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે ઉપયોગ કરવાનો હોય છે.
૧૨. અભ્યાસકાર્ડ માટે જરૂરી  ટી.એલ.એમ.
  • પ્રજ્ઞા અભિગમ “પ્રવૃત્તિના માધ્યમથી શિક્ષણ” આધારિત હોવાથી શીખવાનો પ્રત્યેક મુદ્દો ટી.એલ.એમ.ના ઉપયોગથી શીખવાય તે જરૂરી છે. આથી અભ્યાસકાર્ડના જમણા ખૂણે  દર્શાવેલ ટી.એલ.એમ. બોકસ મુજબનાં જરૂરી ટી.એલ.એમ. વર્ગમાં હોવાં જોઈએ, જેમાં સ્થાનિક સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
૧૩. ટી.એલ.એમ. બોક્ષ
  • બાળકો સરળતાથી ટી.એલ.એમ. લઇ શકે, તે માટે પ્રત્યેક પ્રજ્ઞાવર્ગમાં લાકડાની પેટી, પૂંઠાનું બોકસ, પ્લાસ્ટીકની બરણીઓ વગેરેના ઉપયોગથી ટી.એલ.એમ. બોકસ બનાવવામાં આવે છે અને તેમાં જરૂરી ટી.એલ.એમ. રાખવામાં આવે છે. પ્રવૃત્તિકેન્દ્રી અભ્યાસમાં શિક્ષક પોતાના વર્ગની જરૂરિયાત સંદર્ભે આગવાં ટી.એલ.એમ. જાતે જ બનાવે તે જરૂરી છે.
૧૪. પોર્ટફોલિયો
  • પ્રજ્ઞાવર્ગમાં બાળકોએ કરેલ પ્રવૃત્તિઓને સાચવવા માટે પ્રત્યેક બાળક માટે સ્વતંત્ર પોર્ટફોલિઓ બનાવવામાં આવે છે. આ માટે સ્થાનિક અનુકુળતા અને શિક્ષકની સૂઝ મૂજબ કાપડ કે અન્ય પ્રકારની થેલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પોર્ટફોલિઓમાં જોવા મળતા નમૂના શિક્ષકે કરાવેલ સપ્તરંગી પ્રવૃત્તિઓનો પૂરાવો છે.
૧૫. પ્રોફાઈલ
  • શિક્ષક પ્રત્યેક બાળકની વિશેષતા અને નબળાઈઓ પારખી શકે તેમજ તે મૂજબ બાળકોને વિકસવાની તક આપી શકે, તે માટે પ્રત્યેક બાળકોની પ્રોફાઈલ બનાવવામાં આવે છે.
૧૬. વાલી મીટિંગ
  • વાલીઓને બાળકોના વિકાસમાં રસ લેતા કરવા માટે વાલી  બેઠક દરમિયાન તેમને તેમનાં બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ બતાવવામાં આવે છે.
  • પ્રજ્ઞા અભિગમ શિક્ષણનો નૂતન અભિગમ હોવાથી પ્રત્યેક વાલી આ અભિગમથી વાકેફ થાય તે માટે વાલી બેઠકનું આયોજન કરી તેમને પ્રજ્ઞા અભિગમની હાર્દરૂપ બાબતોથી વાકેફ કરવા જોઈએ.
૧૭. પ્રગતિમાપન રજીસ્ટરમાં નોંધ
  • બાળક કયા અભ્યાસકાર્ડ ઉપર અભ્યાસ કરી રહ્યો છે, તેની સમજ પ્રગતિમાપન રજીસ્ટર પરથી મળે છે. બાળક અભ્યાસકાર્ડનું કાર્ય પૂર્ણ કરે ત્યારે શિક્ષક બાળકે પૂર્ણ કરેલ અભ્યાસકાર્ડની સમજની ચકાસણી કરી પ્રગતિમાપન રજીસ્ટરમાં ખરાનું નિશાન કરે  છે.  યોગ્ય રીતે ચાલતા પ્રજ્ઞા વર્ગમાં પ્રત્યેક બાળકની જુદા જુદા  પર ટીક જોવા મળે છે અને બાળક પાસે ટીક મુજબનું અભ્યાસકાર્ડ જ જોવા મળે છે.  પ્રગતિમાપન રજીસ્ટરમાં જોવા મળતી એક જ સરખી ટીક પ્રજ્ઞા કામગીરીમાં કચાશ દર્શાવે છે.
૧૮. શિક્ષક નોંધપોથી
  • પ્રજ્ઞા શિક્ષકે દૈનિક નોંધપોથી લખવાની હોતી નથી, તેના વિકલ્પે પ્રજ્ઞા શિક્ષકે શિક્ષક નોંધપોથી નિભાવવી જોઈએ. પોતાના વર્ગની મજબૂત તેમજ નબળી બાબતો અને તેને આનુસંગિક નોંધ, વર્ગનાં બાળકોની નબળાઈઓ અને તેને દૂર કરવાનું આયોજન, પ્રજ્ઞાવર્ગ માટે જરૂરી ટી.એલ.એમ.ની યાદી, પોતાનાં વર્ગમાં કરેલ નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓ અને મળેલ પરિણામની વિગતો, વર્ગ મુલાકાતીઓની નોંધ વગેરે જેવી બાબતો શિક્ષક નોંધપોથીમાં હોવી જોઈએ.
૧૯. સ્વઅધ્યયનપોથી અને ગૃહકાર્ય બુક
  • પ્રજ્ઞાવર્ગનાં તમામ બાળકો માટે વ્યક્તિગત રીતે સ્વઅધ્યયનપોથી હોવી જોઈએ.
  • સ્વઅધ્યયનપોથી અભ્યાસકાર્ડની કામગીરી જ હોવાથી તે અભ્યાસકાર્ડ સાથે ચાલવી જોઈએ.
  • બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમની સારી કામગીરીને બિરદાવવા તેમની સ્વઅધ્યયનપોથીમાં સ્ટાર, સ્માઇલી વગેરે ચિહ્નો શિક્ષક દ્વારા દર્શાવવા જોઈએ.
  • બાળકોની સ્વઅધ્યયનપોથીની કામગીરી ચકાસી શિક્ષકે તારીખ સાથે સહી કરવી જોઈએ.
  • ધોરણ ૩ થી ૫ નાં તમામ બાળકો ઘરે પણ મહાવરો કરી શકે તે માટે પ્રત્યેક સાક્ષરી વિષય માટે સ્વતંત્ર ગૃહકાર્યબુક હોય છે, જયારે બાળકને ગૃહકાર્યનું અભ્યાસકાર્ડ આવે ત્યારે જે તે ગૃહકાર્યબુક બાળકને ઘરે આપવામાં આવે છે.  બાળક આ ગૃહકાર્યબુક પરત લાવે ત્યારે તેના કામની ચકાસણી કરવામાં આવે છે.
૨૦. યોગ્ય છાબડીમાં સિમ્બોલ આધારિત બેઠક
  • પ્રજ્ઞા અભિગમમાં બાળકો છ જૂથમાં કામ કરતાં હોય છે. આથી પ્રત્યેક જુથમાં બાળકો કામ કરતાં હોય તે અપેક્ષિત છે. અહીં પ્રત્યેક જૂથમાં બાળકોની સંખ્યા જુદી જુદી હોઈ શકે છે. વળી કોઈ કારણસર એકાદ જુથમાં કોઈ જ બાળક જોવા ન મળે તેવું પણ બની શકે છે.
  • બાળક તેના અભ્યાસ દરમિયાન શિક્ષણના જુદા જુદા છ તબક્કામાંથી પસાર થાય, તે માટે અભ્યાસકાર્ડમાં વિવિધ જૂથ બતાવતા સિમ્બોલ દર્શાવેલ હોય છે. આ સિમ્બોલ જુદા જુદા છ જૂથ સૂચવે છે. આથી બાળક પાસે જે અભ્યાસકાર્ડ હોય તેના પર દર્શાવેલ સિમ્બોલ મૂજબ બાળક જે તે જૂથમાં બેઠેલ હોવો જોઈએ.
૨૧. સહપાઠી શિક્ષણ
  • સહપાઠી શિક્ષણ પ્રજ્ઞા અભિગમનું હાર્દ છે. આથી પ્રજ્ઞાવર્ગમાં સહપાઠી શિક્ષણ થાય (બાળક સહપાઠી પાસેથી શીખે) તે જરૂરી છે. સહપાઠી શિક્ષણ સહજતાથી થાય તે પણ અત્યંત જરૂરી છે.
૨૨. જૂથ રોટેશન
  • બાળકના અભ્યાસકાર્ડનું કામ પૂર્ણ થતાં શિક્ષક દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. ત્યાર બાદ બાળક નવું અભ્યાસકાર્ડ લઇ યોગ્ય જુથમાં બેસે છે. બાળકની જૂથ બદલવાની આ પ્રક્રિયાને જૂથ રોટેશન કહે છે. પ્રજ્ઞાવર્ગની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે કે કેમ? તે તેના જૂથ રોટેશન આધારે ખબર પડે છે.
૨૩. જૂથ નિયમન
  • કોઈ પણ જૂથમાં બાળકોની સંખ્યા વધુ પડતી ન થાય અને કોઈ જૂથ ખાલી ન રહે, તે માટે જરૂર જણાયે શિક્ષક દ્વારા કેટલાક બાળકોને અભ્યાસકાર્ડ આધારિત વધારાનું પૂરક કામ આપી જે તે જૂથમાં થોડો સમય રોકી જૂથ નિયમન કરવામાં આવે છે.
૨૪. ડિસ્પ્લે બોર્ડની ગોઠવણી અને ઉપયોગ
  • પ્રજ્ઞા વર્ગમાં ડિસ્પ્લે બોર્ડની ઊંચાઈ એટલી જ રાખવામાં આવે છે કે જેથી બાળકો પોતાની પ્રવૃત્તિઓ જાતે ડિસ્પ્લે કરી શકે.
  • બાળકની પ્રવૃત્તિના ડિસ્પ્લેથી તેને સારી કામગીરી કરવાનું પ્રોત્સાહન મળે છે, આથી ડિસ્પ્લે બોર્ડ પર વર્ગનાં તમામ બાળકોની પ્રવૃત્તિઓને સ્થાન મળવું જોઈએ.
૨૫. ઝંડીનો ઉપયોગ
  • ૩, ૪ કે ૫ નંબરના જૂથમાં બાળકને શિક્ષકની મદદની જરૂર પડે, તો તે શિક્ષકને પોતાની પાસે બોલાવી તેમની મદદ મેળવી શકે છે. તે માટે બાળક ઝંડી ઉંચી કરી શિક્ષકનું ધ્યાન દોરે છે.
  • બાળક ઝંડી બતાવે ત્યારે શિક્ષકે પોતાની અનુકુળતાએ તેને પોતાની પાસે બોલાવવું જોઈએ, શિક્ષકે પ્રત્યેક વખતે બાળક પાસે જવું જરૂરી નથી.
૨૬. વાચન, લેખન અને ગણનનો વિશેષ મહાવરો
  • અભ્યાસકાર્ડ અને સ્વઅધ્યયનપોથીના માધ્યમથી વાચન – લેખન – અને ગણન માટે પૂરતો મહાવરો ન મળતો હોય, ત્યારે બાળકને વિવિધ માધ્યમથી વિશેષ મહાવરો આપવો જરૂરી બને છે.
૨૫. સમૂહકાર્ય  
  • અભ્યાસકાર્ડમાં આવતી વાર્તાઓ, ગીતો, વાચન – ગણન વિશેષ મહાવરો વગેરે સમૂહકાર્યમાં થઇ જવાં જોઈએ.